મણીપુર ઘટના પર ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ સંસદમાં હંગામો: મુલત્વી
વિપક્ષોએ તીખા પ્રશ્નોનો મારો કર્યો: રાજયસભા અને લોકસભા બંનેમાં વિપક્ષો આક્રમક
મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવા અને બાદમાં ગેંગરેપની ઘટના પર સમગ્ર દેશમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે તે સમયે આજથી શરુ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં પણ પ્રથમ દિવસે મણીપુર મામલે રાજયસભા અને લોકસભા બંનેમાં જબરી ધમાલ મચી હતી અને બંને ગૃહો મુલત્વી રહ્યા હતા.
વિપક્ષો અગાઉથી જ મણીપુર હિંસાને મુદે સરકારને ભીડવવાની રણનીતિ સાથે આવ્યા હતા અને તેમાં આ વિડીયો વાયરલ થતા જ સરકાર અને વિપક્ષ વચ્ચેનો તનાવ વધી ગયો હતો અને બંને ગૃહોના પ્રારંભ સાથે જ શા માટે સરકાર મણીપુર મુદે આટલી મૌન છે અને રાજય સરકારને કેમ બરતરફ કરતી નથી તેવી માંગણી કરીને રાજયસભા અને લોકસભામાં ધમાલ મચાવી દીધી હતી અને તેમાં વડાપ્રધાન લાંબા સમયથી મણીપુર મામલે મૌન છે તે મુદો પણ ઉઠાવ્યો હતો. સંસદના ચોમાસુ સત્રમાં દિલ્હી વટહુકમ સહિતના અનેક ખરડાઓ ચર્ચા પર છે
તે સમયે જ મણીપુરની ઘટનાએ હવે બંને ગૃહોને હાઈજેક કરી લીધા છે અને હવે સરકાર તેને કઈ રીતે તેમાં આગળ વધે છે તેના પર સૌની નજર છે. બપોર બાદ ફરી એક વખત લોકસભા અને રાજયસભામાં કાર્યવાહી શરુ થઈ હતી પરંતુ મણીપુર મુદે વડાપ્રધાન પહેલા નિવેદન કરે અને બાદમાં ચર્ચા માટે ખાસ સમય ફાળવવાની માંગણી સાથે વિપક્ષોએ ધમાલ મચાવતા બંને ગૃહો આજના દિવસની કાર્યવાહી પુરી થયેલી જાહેર કરાઈ હતી.