56 સરકારી સેવાઓના લાભ લેવા માટે 7,108 જેટલી અરજીઓ આવી, તમામ અરજીઓનો નિકાલ કરી લાભાર્થીઓને લાભાન્વિત કરાયા
15 ડિસેમ્બર 2023 થી સમગ્ર રાજ્યમાં યોજાયેલ સેવા સેતુના 9 માં તબક્કામાં કુલ 2.89 કરોડ અરજીઓ મળી જેમાંથી ૯૯.૮૮ % અરજીઓનો સુપેરે નિકાલ કરાયો
અમદાવાદના પ્રભારી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં સેવાસેતુ કાર્યક્રમ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે,અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં 7 સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.56 સરકારી સેવાઓના લાભ લેવા માટે કુલ 7108 જેટલી અરજીઓ આવી હતી જે તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યું હોવાનું મંત્રી શ્રી એ વધુમા ઉમેર્યુ હતુ.
અત્રે નોંધનીય છે કે, રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક, ચોકકસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સુગ્રથિત વહીવટી માળખાકીય વ્યવસ્થા રાજય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે અમલમાં છે.
રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું (Accountability)ની બાબતને રાજય સરકાર દ્વારા હાર્દ સમાન ગણેલ છે.
રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોઈ તે ધ્યાને લઈ, આવી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે અંગેની એક વધારાની વ્યવસ્થા ઉભી કરવાની બાબતની રાજય સરકારને અગત્યતા જણાયેલ અને તેથી રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતોનો સ્થળ પર નિકાલ થાય, એક જ સ્થળે જવાબો મળી રહે તે માટે રાજય સરકારે તા.૦૫/૧૧/૨૦૧૬ ગ્રામ્ય કક્ષાએ (તાલુકા) તેમજ તા.૩૦/૧૧/૨૦૧૬ થી શહેરી કક્ષાએ (નગરપાલિકા અને મહાનગરપાલિકા) ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ યોજવાનું શરૂ કરાયું હતુ.
‘‘સેવા સેતુ કાર્યક્રમ” હેઠળ અત્યાર સુધીમાં કુલ-૯ (નવ) તબકકાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા તા.૧૫/૧૨/૨૦૨૩ થી ‘‘સેવા સેતુ કાર્યક્રમ (તબકકો-૯) શરૂ કરવામાં આવેલ, આ નવમાં તબક્કામાં ૨,૮૯,૯૮,૩૪૯ અરજીઓ મળેલ, જે પૈકી ૨,૮૯,૬૫,૦૬૪ અરજીઓનો નિકાલ કરેલ છે, જેની નિકાલની ટકાવારી ૯૯.૮૮ % છે.‘‘સેવા સેતુ’’ કાર્યક્રમમાં પ્રજાની આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃધ્ધ નિરાધાર સહાય યોજના, લર્નીંગ લાયસન્સ, સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, બસ કન્સેસન પાસ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા, પી.એમ.જે.મા અરજી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે હેઠળ લાભની અરજીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.