ગુજરાત સરકાર દ્વારા ૪ હજારથી વધુ ગ્રાહક ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો
ગ્રાહક અધિકારોની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૪૬૮ સેમિનાર આયોજિત કરવામાં આવ્યા
રાજ્યમાં ૨૦૦૦ સ્કૂલ અને ૫૦૦ કૉલેજ કન્ઝ્યુમર ક્લબની રચના
CAPU-હેલ્પલાઇન પર રાજ્યભરના ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ આવશે
રાજ્ય સરકારે ગ્રાહકોની સુરક્ષા તથા તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. આ પગલા હેઠળ રાજ્યમાં ૪ હજારથી વધુ ગ્રાહકોની વિવિધ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર માર્ચ-૨૦૨૪ સુધી ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા એકમ (CAPU) તથા તેની અંદર સમાવિષ્ટ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર શરૂ કરવા જઈ રહી છે, જે થકી રાજ્યભરના ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાજ્યની ગ્રાહક સુરક્ષા નિયામક કચેરી ગ્રાહકોના અધિકારોની સુરક્ષા તેમજ જાગૃતિ માટે વિવિધ સહાયકારી કામગીરી કરી રહી છે. આ કામગીરી હેઠળ ગ્રાહક સુરક્ષા નિયામકની કચેરી દ્વારા અત્યારસુધી ૧૧૨ જેટલી ગ્રાહક ફરિયાદોનું ઓફલાઇન નિરાકરણ કરવામાં આવ્યું છે, તેમજ ઈ-ગ્રામ પોર્ટલના માધ્યમથી આવેલ ૫૬૮ જેટલી ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ગ્રાહકોના હિત, રક્ષણ અને જાગૃતિ માટે પ્રદર્શન, સેમિનાર, શિબિરો યોજીને, તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ અંતર્ગત ગ્રાહક જાગૃતિનો ફેલાવો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કુલ ૪૫૦૦ ગ્રાહક જાગૃતિ વિષયક રંગીન કૅલેન્ડરની રાજ્યભરમાં ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહક જાગૃતિ માટે સ્કૂલ-કૉલેજોમાં ગ્રાહક ક્લબની સ્થાપના પણ કરવામાં આવી છે, જેમાં સંકલન એજન્સી તરીકે માન્ય ગ્રાહક મંડળ કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધી કુલ ૨૦૦૦ શાળા કન્ઝ્યુમર્સ ક્લબ તથા ૫૦૦ કૉલેજ કન્ઝ્યુમર્સ ક્લબની રચના કરવામાં આવી છે. તેના માટે ક્લબ દીઠ રૂ.૧૦૦૦ની નાણા-સહાય સંકલન એજન્સી તરીકે નિમણૂંક કરેલ માન્ય મંડળને તેમજ રૂ.૪૦૦૦ની સહાય સંબંધિત શાળા/કોલેજને ફાળવવામાં આવી છે. દર વર્ષે ૨૦૦૦ ક્લબ માટે દરેક જિલ્લામાં શાળા-કોલેજ તેમજ મંડળોને આધારે રૂ.૧૨૫ લાખ ફાળવવામાં આવે છે.
રાજ્યમાં ગ્રાહકોના માર્ગદર્શન તથા તેમની ફરિયાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ ખાતે ટોલ-ફ્રી સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન નં- ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ કાર્યાન્વિત છે, જ્યાંથી ગ્રાહકો તેમની ફરિયાદો તથા તેના નિરાકરણ બાબતે માર્ગદર્શન મેળવે છે. આ હેલ્પલાઇન વડે અલગ-અલગ ક્ષેત્રોને લગતી અંદાજે ૪,૫૮૯ જેટલી ગ્રાહક સુરક્ષાની ફરિયાદો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ કામગીરી માટે સીઈઆરસીને રૂ.૧૨ લાખની નાણા-સહાય ચૂકવવામાં આવે છે.
સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યારસુધીમાં ગ્રાહક અધિકારોની જાગૃતિ માટે ૨૧૮ શિબિર, ૩૩૮ સેમિનાર, ૯૧૨ માહિતી સેન્ટર અને ૩૩૫ ગ્રામ શેરીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, તેના પ્રચાર-પ્રસાર માટે, ૨,૧૮,૯૬૮ ગ્રાહક જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૮૩,૦૧૬ મૅગેઝીન, ૨,૨૫૬ પ્રેસનોટ પણ રીલીઝ કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં અંદાજે ૩,૨૭,૨૨૨ ગ્રાહકોએ લાભ લીધો હતો.