અધિકાર બહારની ચેષ્ટાએ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને મોટું નુકસાન કર્યું છે:પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ
પાલડીના શ્રી કુંથુનાથ જૈન સંઘના નૂતન આરાધના ભવનમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે અમૃતવાણી વહાવતા કહ્યું કે; અધિકાર બહારની ચેષ્ટાએ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને મોટું નુકસાન કર્યું છે. વડીલો અને માતા-પિતાઓને આજે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. રાજકારણ ક્ષેત્રે પીઢ કાર્યકરોને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવ્યા છે. તેમની સલાહ પણ લેવામાં આવતી નથી. આના કારણે એમના અનુભવોના લાભથી આ દેશને વંચિત રહી જાય છે. અયોગ્ય અને અપાત્ર વ્યક્તિઓના હાથમાં મૂલ્યવાન ચીજો આવવાથી રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને પારાવાર નુકસાન થયું છે. સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી પડતું વરસાદનું પાણી જો સાપના મુખમાં પડે તો ઝેર બને છે, ગટરમાં પડે તો ગંદકી થાય છે. નદીમાં પડે તો મીઠું મધ જેવું લાગે છે પણ જો સાગરના કોઈ છીપલામાં પડે તો તે ટીપું મોતી બને છે. જીવનનાં સર્વક્ષેત્રે પાત્રતા જરૂરી છે.
નાણાં મંત્રીએ કૃષિ ખાતું અને કૃષિ મંત્રીને નાણાં ખાતું અપાય તો શું થાય ? એ જ ન્યાયે યોગ્ય વ્યક્તિના હાથમાં યોગ્ય વસ્તુ આવે તો સાચા અર્થમાં વિકાસ અને પ્રગતિ થાય છે. પૂર્વગ્રહ અને કદાગ્રહનાં કારણે ઘણું નુકસાન થયું છે. જ્યાં સાચુ અને સારું હોય ત્યાં ઝૂકી જાઓ. પૂર્વગ્રહનાં ચશ્મા જ્યાં સુધી નહીં ઉતારો ત્યાં સુધી વ્યક્તિ, સમાજ અને દેશને તમારા તરફથી મોટો અન્યાય થશે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં એકાદ દોષ દેખાય તો તે ખરાબ થઈ જતો નથી. દોષો તો બધે જ કલિકાળના પ્રભાવે રહેવાના પણ જ્યાં ગુણ દેખાય ત્યાં ઝૂકી જતાં શીખો. ધિક્કારવો જ હોય તો દોષને ધિક્કરો, વ્યક્તિને નહીં. ઉકરડાનાં કાગડા બનવાને બદલે બાગનાં બુલબુલ બનો.