બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી :વડાપ્રધાન હસીના ભારત ને શરણે, સેના વચગાળાની સરકાર બનાવશે
શેખ હસીના ભારતમાં અથવા યુકેમાં આશ્રય લઈ શકે છે
બાંગ્લાદેશમાં અનામતને લઈને ચાલી રહેલી હિંસા ગૃહયુધ્ધમાં પલટાઈ
બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અગાઉ આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને હસીનાને 45 મિનિટમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીના ભારતમાં આશ્રય લઈ શકે છે. બાંગ્લાદેશની લશ્કરના વડાએ જાહેરાત કરી છે કે સેના વચગાળાની સરકાર બનાવશે. અગાઉ પ્રદર્શનકારીઓ શેખ હસીનાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. દેશના અનેક વિસ્તારોમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા છે. શેખ હસીનાની સાથે તેમની બહેન પણ ઢાકા છોડી ગયા છે. બાંગ્લાદેશના આર્મી ચીફે હસીનાને કહ્યું હતું કે તેમણે સન્માનજનક રીતે સત્તામાંથી રાજીનામું આપવું જોઈએ. દરમિયાન બાંગ્લાદેશના વડાંપ્રધાનના પુત્રએ સુરક્ષા દળોને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ બિનચૂંટાયેલી સરકારને સત્તામાં આવતા અટકાવે.
શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષાદળોને આગ્રહ કર્યો છે કે સત્તા પલટો કરવાના પ્રયાસોને રોકે. બાંગ્લાદેશના સત્તારૂઢ પક્ષ આવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે સેનાના હેડક્વાર્ટરમાં બેઠક થઈ રહી છે. નોંધનીય છે કે હિંસક પ્રદર્શનમાં છેલ્લા 48 કલાકમાં જ બાંગ્લાદેશમાં 100થી વધુ લોકોના મોત થયા છે. નોંધનીય છે કે આવા જ દ્રશ્યો થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં પણ જોવા મળ્યા હતા. ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો શ્રીલંકાના રાષ્ટ્રપતિના આવાસમાં ઘૂસી ગયા હતા.બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નામે શરૂ થયેલ આંદોલન બાદમાં હિંસક ગૃહયુદ્ધમ ફેરવાયું હતું. સૌથી પહેલા શિક્ષણમાંથી અનામત ખતમ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું. બાંગ્લાદેશમાં 1971ના સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને અનામત આપવામાં આવે છે. કોર્ટે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને અનામત ઘટાડી દીધું હતું. જોકે તે બાદ પણ હિંસક પ્રદર્શનકારીઓ શાંત થયા નહીં. પ્રદર્શનકારીઓએ પછી શેખ હસીનાના રાજીનામાંની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. લોકોએ પોલીસ સ્ટેશનો, સત્તારૂઢ પક્ષોના કાર્યાલયો, નેતાઓ પર હુમલા કર્યા. હજારોની સંખ્યામાં વાહનો સળગાવી નાંખવામાં આવ્યા. સરકારે ફેસબુક, મેસેંજર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યું હતું. બાંગ્લાદેશમાં માહોલ કાબૂ બહાર થઈ ગયો છે. વડાંપ્રધાન દેશ છોડી ભારતમાં શરણ લેવા આવી પહોંચ્યા છે.અહીં થી તેઓ લંડન પણ કદાચ જશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહયા છે. દેખાવકારોએ તેમના નિવાસ પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ સત્તાપલટાના સમાચાર સૌની સામે આવી ગયા. તાજેતરના અહેવાલ મુજબ બાંગ્લાદેશની સેનાએ કહ્યું છે કે દેશમાં વચગાળાની સરકાર રચાશે. એનાથી એ વાતના સંકેત મળી ગયા છે કે શેખ હસીનાએ રાજીનામુ આપી દીધું છે.
બાંગ્લાદેશમાં અનામતને લઈને ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં મળતી મોટાભાગની અનામતો રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અનામત યથાવત્ રાખવાના નીચલી કોર્ટના ચુકાદાને પણ રદ કરી દીધો અને 93 ટકા નોકરીઓ મેરિટ પર આધારિત કરવાનો આદેશ આપ્યો. હવે 1971ના યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારને માત્ર પાંચ ટકા અનામત આપવામાં આવશે.હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગભગ તમામ સરકારી નોકરીઓ મેરિટના આધારે આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામત સુધારાને લઈને ઘણા દિવસોથી હિંસાનો દોર ચાલી રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો ઘાયલ થયા. હિંસાને જોતા વડાંપ્રધાન હસીના સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યૂ લગાવી દીધો હતો અને હવે સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં તેમણે દેશ છોડવો પડ્યો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓ વતી પાંચ વકીલોને દલીલો રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સુનાવણીમાં હાજર રહેલા કુલ 9 વકીલોમાંથી આઠ વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને ઉથલાવી દેવાની વાત કરી હતી. માત્ર એક વકીલે અનામતની હિમાયત કરી હતી. બાંગ્લાદેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સુધારા પછી, 1971ના યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારો માટે એક તૃતીયાંશ સરકારી નોકરીઓ આરક્ષિત કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે માત્ર 5 ટકા સીટો અનામત રાખી શકાય છે.
બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ હેઠળ 56 ટકા સરકારી નોકરીઓ અનામત હતી. જેમાંથી 30 ટકા 1971ના મુક્તિ સંગ્રામના સેનાનીઓના વંશજો માટે, 10 ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી સમૂહો માટે અને 1 ટકા વિકલાંગ લોકો માટે આરક્ષિત હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી 30 ટકા અનામત સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં 93 ટકા હોદ્દા પર મેરિટના આધારે નિમણૂકનો આદેશ કર્યો છે, તો 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો અને અન્ય શ્રેણીઓ માટે ફક્ત સાત ટકા અનામતનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ 3 હજાર સરકારી નોકરીઓનું સર્જન થાય છે, જેના માટે લગભગ 4 લાખ ઉમેદવારો અરજી કરે છે.બાંગ્લાદેશમાં વર્ષ 2018 પણ આ જ ક્વોટા સિસ્ટમ સામે હિંસક વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું. ત્યારબાદ શેખ હસીનાની સરકારે ક્વોટા સિસ્ટમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયને મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગયા મહિને હાઈકોર્ટે શેખ હસીના સરકારના નિર્ણયને રદ કર્યો હતો અને ક્વોટા સિસ્ટમ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસક દેખાવો શરૂ થયા હતા. વિરોધીઓએ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું, બસો અને ટ્રેનોને આગ લગાવી હતી. પરિસ્થિતિ એટલી હદે કાબૂ બહાર થઈ ગઈ કે હસીના સરકારને રસ્તાઓ પર સેના મોકલવી પડી હતી.