શેખ હસીનાના પિતા સહિત 18ની હત્યા થઈ , ત્યારે ઈન્દિરા ગાંધીએ ભારતમાં આશરો આપ્યો હતો
શેખ હસીનાએ હિંસા અને વિરોધ વચ્ચે તેમણે બાંગ્લાદેશના વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશને પણ છોડી દીધું છે. હવે તેઓ ભારતમાં આશરો લેવા આવી રહ્યા છે. હાલ બાંગ્લાદેશની હિંસાએ વર્ષ 1975માં થયેલી લોહિયાળ ઘટનાને યાદ તાજી કરી દીધી છે. તે સમયે શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ મુજીબુર રહમાનની હત્યા કરવામાં આવી હતી અને હસીનાએ ભારતનો આશરો લેવો પડ્યો હતો.
બાંગ્લાદેશમાં15 ઓગસ્ટ 1975એ થયો હતો તખ્તાપલટ
15 ઓગસ્ટ 1975 શેખ મુજીબુર રહેમાનની હત્યા બાદ બાંગ્લાદેશમાં તખ્તાપલટ કરી દેવાયો હતો. તે સમયે શેખ હસીના, તેમના પતિ ડોક્ટર વાજેદ અને બહેન રેહાના બ્રસેલ્સમાં બાંગ્લાદેશના રાજદૂત સનાઉલ હકના ત્યાં રોકાયા હતાં. ત્યારે સવારે સનાઉલ હકનો ફોન રણક્યો અને સામે જર્મનીમાં બાંગ્લાદેશના રાજદૂત હુમાયુ રશીદ ચૌધરી હતાં અને તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં સૈનિક વિદ્રોહ થઈ ગયો છે અને શેખ મુજીબરની હત્યા કરી દેવાઈ છે.
સૈનિકોએ બાંગ્લાદેશના વડાપ્રધાન અને પરિવારના 18ની કરી હત્યા
26 માર્ચ-1971ના રોજ બાંગ્લાદેશ આઝાદ થયા બાદ શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહમાનને વડાપ્રધાન બનાવાયા હતા. જોકે વર્ષ 1975માં સેનાની એક ટુકડીએ તેમના વિરુદ્ધ બળવો કર્યો હતો. આ દરમિયાન સેનાના અધિકારીઓએ મુજીબુર રહેમાન સાથે તેમના પરિવારના 18 લોકોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ, રાજકીય ઉથલ-પાથલ થઈ અને છેવટે સૈન્ય શાસન લાગુ કરી દેવામાં આવ્યું, જે એક વર્ષ સુધી લાગુ રહ્યું.
શેખ હસીનાનો જીવ કેવી રીતે બચી ગયો?
શેખ મુજીબુર રહમાનની હત્યા થઈ, તેના 15 દિવસ પહેલા શેખ હસીના અને તેમની બહેન દેશ છોડીને જર્મની જતા રહ્યા હતા. હસીના જર્મનીમાં પતિ એમએ વાજેદ મિયા સાથે હતા. તેમના પતિ અણુ વિજ્ઞાની હતા અને પીએચડી બાદ સંશોધન કરી રહ્યા હતા. હસીનાને જર્મનીમાં જ તેમના પિતાની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી.
ભારતમાં આશરો અપાયો હતો
જે બાદ શેખ હસીના તેમના પતિ ડોક્ટર વાજેદ અને તેમની બહેન રેહાનાની સામે એ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે તેઓ હવે ક્યાં જાય. ત્યારે હુમાયુ રશીદ ચૌધરીએ કહ્યું કે તેઓ ભારતના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને શેખ હસીનાને આશરો આપવા માટે કહેશે. આ મુદ્દે ઈન્દિરા ગાંધી સાથે વાત કરવામાં આવી અને તેમણે શેખ હસીનાને આશરો આપવા માટે હા પાડી. તે સમયે ભારતમાં ઈમરજન્સી લાગુ થઈ હતી. જોકે તેમ છતાં ભારતના તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (India Former Prime Minister Indira Gandhi)એ તેમને ભારતમાં આશરો અને સુરક્ષા આપવાનું વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ શેખ હસીના પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા હતા. હસીનાના પરિવારને કોઈપણ ખતરાથી બચાવવા માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમને દિલ્હીના પંડારા રોડ પર મકાન અપાયું હતું. આ ઉપરાંત તેમના પતિને પણ નોકરી અપાઈ હતી.
24 ઓગસ્ટ 1975એ શેખ હસીના ભારત આવ્યાં હતાં
જે બાદ 24 ઓગસ્ટ 1975એ એર ઈન્ડિયાની ફ્લાઈટથી શેખ હસીના અને તેમનો પરિવાર દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચ્યાં હતાં. તેમને કેબિનેટના એક સંયુક્ત સચિવે રિસીવ કર્યાં હતાં અને પહેલા તેમને રો ના 56, રિંગ રોડ સ્થિત સેફ હાઉસ લઈ જવાયા હતા. તે બાદ 4 સપ્ટેમ્બરે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે તેમણે વડાપ્રધાન આવાસમાં મુલાકાત કરી હતી.
શેખ હસીનાના પતિને પણ ભારતમાં અપાઈ નોકરી
શેખ હસીનાને ઈન્ડિયા ગેટ નજીક પંડારા પાર્ક સી બ્લોકમાં એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો અને તેમને કહેવામાં આવ્યું કે તે બહારના લોકો સાથે વધુ મળે નહીં અને ઘરેથી ઓછું બહાર નીકળે. તે બાદ 1 ઓક્ટોબર 1975એ શેખ હસીનાના પતિ ડોક્ટર વાજેદને પરમાણુ ઉર્જા વિભાગમાં ફેલોશિપ પણ આપવામાં આવી હતી.
મોરારજી દેસાઈએ પણ શેખ હસીનાની મદદ કરી હતી
1977માં થયેલી ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીની હાર બાદ મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. રિપોટ્સ અનુસાર રો ના અભિયાનોમાં તત્કાલીન વડાપ્રધાન ખાસ રસ લેતા નહોતા પરંતુ ‘બંગબધુ શેખ મુજીબુર રહમાન’ અનુસાર મોરારજી દેસાઈ શેખ હસીના અને તેમના પતિને ઓગસ્ટ 1977માં મળ્યાં હતાં, જ્યારે શેખ હસીનાએ તેમની બહેન રેહાનાને દિલ્હી બોલાવવામાં મદદ માગી હતી. મોરારજી દેસાઈએ રેહાનાના દિલ્હી આવવાની વ્યવસ્થા કરાવડાવી હતી. રેહાના ડિસેમ્બરના બીજા અઠવાડિયે દિલ્હી આવી હતી.
ધીમે-ધીમે શેખ હસીનાની સુરક્ષા પાછી ખેંચાઈ
રિપોર્ટ અનુસાર શેખ હસીનાની મદદ બાદ ધીમે-ધીમે મોરારજી દેસાઈ તેમની સુરક્ષા ઓછી કરવા લાગ્યા હતાં. ધીમે-ધીમે તેમની પર દબાણ નાખવામાં આવ્યું હતું કે તેઓ આપમેળે જ ભારત છોડીને જતાં રહે. પહેલા તેમની વિજળીનો વપરાશ રોકવામાં આવ્યો અને પછી તેમને આપવામાં આવી રહેલી વાહનની સુવિધાને પણ પાછી લેવામાં આવી હતી. જોકે, 1980માં એક વાર ફરી ઈન્દિરા ગાંધી સરકારમાં આવ્યાં હતાં અને જે બાદ શેખ હસીનાને કોઈ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડ્યો નહોતો. ભારતમાં લગભગ 6 વર્ષ રહ્યાં બાદ 17 મે 1981એ શેખ હસીના પોતાની પુત્રી સાથે ઢાકા જતાં રહ્યાં હતાં. ઢાકામાં લગભગ 15 લાખ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.