આખરે પડદો ઊઠયો! મહારાષ્ટ્રના નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ,ભાજપની બેઠકમાં લેવાયો નિર્ણય
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદ પર આખરે અનિર્ણાયક સ્થિતિનો અંત લાવતા દેવેન્દ્ર ફડણવીસનું નામ હવે ફાઇનલ થઈ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે એ વાતને લઈને અનેક કશ્મકશ અને અટકળો વહેતી થઈ હતી હવે આજે થયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામની મહોર લગાડવામાં આવી છે. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસદગી કરી લેવામાં આવી છે.. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે. હવે આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે.
બીજેપીના વિધાનભવન કાર્યાલય ખાતે પક્ષની કોર કમિટીની બેઠક સવારે 11 વાગ્યે યોજાઇ હતી. ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી થયા બાદ પક્ષ બપોરના સુમારે મીડિયા કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી માટે તેની પસંદગીની સત્તાવાર જાહેરાત કરશે એવું કહેવામાં આવ્યું હતું.
આજે યોજાયેલી બેઠકમાં ચંદ્રકાંત પાટીલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ સુધીર મુનગંટીવાર, પંકજા મુંડે, પ્રવિણ દરેકર, રવિન્દ્ર ચવ્હાણ, સંજય કુટે અને અન્યોએ 137 ધારાસભ્યો (132 ભાજપ અને 5 અપક્ષ સમર્થકો)એ પણ આ વાતને મજૂરી અને સમર્થન આપ્યું હતું, આ સાથે જ હવે તેઓ નવા મુખ્યમંત્રી બન્યા છે. નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણીને આ માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા. વિજય રૂપાણીએ પણ દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જ સુધીર મુનગંટીવાર અને પંકજા મુંડે જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ પોતાની સહમતી આપી હતી. આ તમામની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જંગી વિજય મળ્યો હતો. કુલ 288 બેઠકોમાંથી 232 તેમના ફાળે ગઈ હતી.ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારપછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસ સ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા. મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપના 22 ધારાસભ્યો, એનસીપી (અજિત પવાર)ના 10 ધારાસભ્યો અને શિવસેનાના 12 ધારાસભ્યો મંત્રી પદે શપથ લેશે.મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત સાથે ફરી સરકાર બનવા સજ્જ બનેલી મહાયુતિ ગઠબંધનના ટોચના પક્ષોના નેતા અજિત પવાર અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના સસ્પેન્સનો આજે અંત આવ્યો છે.