ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૨૨ FPOની રચના કરાઈ; ૯૭ જેટલા FPO પ્રાકૃતિક કૃષિ માટે રજીસ્ટર થયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ તા. ૧૨ ડિસેમ્બરે ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO)નું સંચાલન કરતા ૩૦૦ ખેડૂતો સાથે કરશે પ્રત્યક્ષ સંવાદ
ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સુવર્ણ કેડી કંડારી હતી, તે જ કેડીએ આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. આવતીકાલ તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ તેમના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થશે.
આ નિમિત્તે ગાંધીનગર ખાતે “ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.) સાથે સંવાદ” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ખેડૂત ઉત્પાદક સંગઠનનું સંચાલન કરતા ૩૦૦ જેટલા ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ કરશે. આ સંવાદના માધ્યમથી ખેડૂત ઉત્પાદક સંગઠનની એક આગવી ઓળખ ઉભી કરવાના રાજ્ય સરકારના પ્રયાસોને વધુ બળ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો એકજુથ થઈને ખેતી માટેના આવશ્યક ઈનપુટની ખરીદી કરી શકે, પોતાના ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી શકે, તેનું બ્રાન્ડીંગ અને માર્કેટિંગ કરીને ઉત્પાદનોનું સારા ભાવે વેચાણ કરી શકે તેવા ઉમદા આશય સાથે ખેડૂત ઉત્પાદન સંગઠનની રચના કરવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂત ઉત્પાદક સંગઠનને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના શુભ આશય સાથે વર્ષ ૨૦૨૦માં ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.) બનાવવાની તેમજ તેના પ્રોત્સાહન માટેની કેન્દ્રીય પુરુસ્કૃત યોજના અમલમાં મૂકી હતી. જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૨૨ ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના કરવામાં આવી છે. આ એફ.પી.ઓ. પૈકી ૯૭ જેટલા એફ.પી.ઓ. પ્રાકૃતિક કૃષિ માટે રજીસ્ટર થયેલા છે.
ભારત સરકારની ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.) બનાવવાની આ યોજના હેઠળ દરેક એફ.પી.ઓ.ને પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન રૂ. ૧૮ લાખ જેટલી સહાય આપવામાં આવે છે. જેથી દરેક FPO પોતાના ખેત ઉત્પાદનોના મૂલ્ય વર્ધન, પ્રોસેસિંગ તથા બ્રાન્ડિંગ દ્વારા જરૂરી વેચાણ વ્યવસ્થા ગોઠવી આત્મનિર્ભર બની શકે.
ગુજરાતમાં આશરે ૬૮ ટકા જેટલા નાનાં અને સીમાંત ખેડૂતો છે, જેઓ બે હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવે છે. આવા નાના ખેડૂતોના હિતમાં જ ખેડૂત ઉત્પાદન સંગઠનની રચના કરવામાં આવે છે, જે ખેડૂતોના હિતનું રક્ષણ અને ખેડૂતોને એકીકૃત માળખું પૂરું પાડે છે.