IPL : લખપતિ બન્યા કરોડપતિ,જયારે ધોની અને વિરાટના ભાવ ગગડયા

0
36

27 ખેલાડીઓ પાછળ 8 ફ્રેન્ચાઈઝીએ 269.50 કરોડનો કર્યો ખર્ચ

ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની આગલી સીઝન માટે આઠ ટીમોએ 27 ખેલાડીઓ નરિટેનપ એટલે કે પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. આ 27માંથી આઠ ખેલાડીઓ વિદેશી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સે ચાર-ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે

જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ત્રણ, પંજાબ કિંગ્સે બે, સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રણ અને રાજસ્થાન રોયલ્સે પણ ત્રણ ખેલાડીઓને ટીમમાં યથાવત રાખ્યા છે. આ ખેલાડીઓ ઉપર 269.50 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જો કે રિટેન થયા બાદ પણ 27માંથી ચાર ખેલાડીઓનો પગાર ઘટી જવા પામ્યો છે. આ ખેલાડીઓમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિતના સામેલ છે. જ્યારે ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનને સૌથી વધુ 11 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ
સૌથી પહેલી વાત ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સની કરીએ તો રવીન્દ્ર જાડેજાને સૌથી વધુ 16 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. તે ટીમનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. પાછલી સીઝનમાં તેને સાત કરોડ મળ્યા હતા મતલબ કે આ વર્ષે તેને 9 કરોડનો ફાયદો થયો છે. જ્યારે કેપ્ટન ધોનીને પાછલી સીઝનમાં મળેલા 15 કરોડની જગ્યાએ આ વર્ષે 12 કરોડ જ મળ્યા છે એટલે કે તેને ત્રણ કરોડનું નુકસાન થવા પામ્યું છે.

ઈંગ્લેન્ડનો મોઈન અલી એક કરોડના ફાયદા સાથે આઠ કરોડમાં રિટેન થયો છે. ખાસ કરીને વાત કરાય તો ઋતુરાજ ગાયકવાડે લાંબી છલાંગ લગાવી છે. પાછલી સીઝનમાં ઑરેન્જ કેપ જીતનારા ઋતુરાજ ગાયકવાડને 6 કરોડ ચૂકવી ચેન્નાઈએ ટીમમાં જાળવી રાખ્યો છે. પાછલી સીઝનમાં તેને 40 લાખ રૂપિયા મળ્યા હતા મતલબ કે તેના પગારમાં 15 ગણો વધારો થયો છે.

દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને 16 કરોડમાં રિટેન કરાયો છે. પાછલી સીઝનમાં તેને 15 કરોડ રૂપિયા મળ્યા હતા. ડાબા હાથના સ્પીનર અક્ષર પટેલને આ વખતે પાંચની જગ્યાએ 9 કરોડ, પૃથ્વી શોને 1.2 કરોડની જગ્યાએ 7.5 કરોડ અને એનરિક નોર્કિયાને 89 લાખની જગ્યાએ 6.5 કરોડ રૂપિયા સાથે ટીમમાં જગ્યા મળી છે.

મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્માને 16 કરોડમાં રિટેન કર્યો છે. પાછલી સીઝનમાં તેને 15 કરોડ મળ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહને 7ની જગ્યાએ 12, સૂર્યકુમાર યાદવને 3.2ની જગ્યાએ 8 કરોડ અને કાયરન પોલાર્ડને 5.4ની જગ્યાએ 6 કરોડ મળશે મતલબ કે બુમરાહને 5 કરોડ અને સૂર્યકુમારને 4.8 કરોડનો ફાયદો થયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જો કે હવે તે ટીમનો કેપ્ટન રહ્યો નથી આમ છતાં હજુ પણ તે ટીમનો સૌથી મોંઘો ખેલાડી છે. પાછલી સીઝનમાં તેને 17 કરોડ રૂપિયા મળ્યા હતા જેની સામે આ વર્ષે બે કરોડનું નુકસાન થયું છે. ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને પાછલા વર્ષે હરાજીમાં ટીમે 14.25 કરોડ રૂપિયા ચૂકવી ટીમે ખરીદયો હતો પરંતુ આ વખતે તેને 11 કરોડમાં રિટેન કરાયો છે. જ્યારે મોહમ્મદ સીરાજને આ વર્ષે 2.6 કરોડની જગ્યાએ 7 કરોડ રૂપિયા મળશે.

રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજૂ સેમસનને 14 કરોડમાં રિટેન કર્યો છે. પાછલી સીઝનમાં તેને 8 કરોડ મળ્યા હતા મતલબ કે આ વખતે તેને 6 કરોડનો ફાયદો થયો છે. ઈંગ્લેન્ડના જોશ બટલરને 4.4 કરોડની જગ્યાએ આ વર્ષે 10 કરોડ જ્યારે યશસ્વી જયસ્વાલને 2.4ની જગ્યાએ 4 કરોડ રૂપિયા મળશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને 14 કરોડ રૂપિયામાં રિટેન કરાયો છે. પાછલી સીઝનમાં તેને માત્ર ત્રણ કરોડ જ મળ્યા હતા. આ રીતે તેને 11 કરોડનો ફાયદો થયો છે. જમ્મુ-કાશ્મીરના અબ્દુલ સમદને 20 લાખની જગ્યાએ 4 કરોડ અને ત્યાંના જ ઉમરાન મલિકને 20 લાખની જગ્યાએ 4 કરોડમાં રિટેન કરાયો છે મતલબ કે બન્ને ખેલાડીઓએ લાંબી છલાંગ લગાવી છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સ
કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઓઈન મોર્ગનને રિટેન કરાયો નથી. ટીમે આંદ્રે રસેલને 12 કરોડમાં રિટેન કર્યો છે. પાછલી સીઝનમાં તેને 8.5 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે સુનિલ નરૈનને આ વર્ષે 12.5 કરોડની જગ્યાએ 6 કરોડ જ મળશે એટલે કે તેને 6.5 કરોડનું નુક્સાન થયું છે. વરુણ ચક્રવર્તીને 4ની જગ્યાએ 8 કરોડ જ્યારે વેંકટેશ અય્યરને 20 લાખની જગ્યાએ 8 કરોડ રૂપિયા મળશે. આ રીતે જોવા જઈએ તો અય્યરના પગારમાં 40 ગણો વધારો થયો છે.

પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેને પાછલી સીઝનમાં 10 કરોડ મળ્યા હતા. જ્યારે અર્શદીપસિંહને 20 લાખની જગ્યાએ ચાર કરોડ રૂપિયા મળશે. ટીમે સૌથી ઓછા માત્ર બે જ ખેલાડીઓને ટીમમાં જાળવ્યા છે

હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, રાશિદ ખાન, ડેવિડ વોર્નર, ટ્રેન્ટ બોલ્ટ,સુરેશ રૈના, ફાફ ડુપ્લેસિસ,ક્રિસ ગેઈલ, કગીસો રબાડા, શિખર ધવન, શ્રેયસ અય્યર, કાઈલ જેમીસન,હર્ષલ પટેલ,પેટ કમીન્સ,લોકી ફર્ગ્યુસન,બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, ડેવિડ મીલર,ડવેઈન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ શમી,આર.અશ્ર્વિન, યુઝવેન્દ્ર ચહલ,ઈશાંત શર્મા,શિમરોન હેટમાયર,સ્ટિવ સ્મિથ,ઉમેશ યાદવ