સાચા સંતો આત્મશુદ્ધીના યજ્ઞમાં મસ્ત હોય છે: પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ
પાલડી સ્થિત પ્રીતમનગરના શ્રી કુંથુનાથ જૈન સંઘમાં પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજે નૂતન આરાધના ભવનમાં ધર્મસભા સમક્ષ જણાવ્યું હતું કે ; સદ્ગુરુ ફેઈસ રીડર તરીકે માસ્ટરી ધરાવે છે. સદ્ગુરુ કપાળ જોઈને અને જ્યોતિષી કુંડલી જોઈને ભાગ્ય બતાવે છે. સદ્ગુરુની મીઠી નજર પાપીને પણ પાવન બનાવે છે. સદ્ગુરુનું એક સ્મિત પણ જીવનનાં નકશાને ફેરવી નાખે છે. સદ્ગુરુ માત્ર ચહેરાને જોઈને ભીતરના સદ્ગુણો અને દૂર્ગુણોનું કથન કરે છે. આત્મશુદ્ધીના પ્રચંડ બળથી સદ્ગુરુ પાસે ‘થર્ડ આઈ’ આવતી હોય છે. સંતોના કારણે રાષ્ટ્ર,સંસ્કૃતિ, ધર્મ અને સમાજમાં મોટું પરિવર્તન આવતું હોય છે.
સાચા સંતો આત્મશુદ્ધીના યજ્ઞમાં મસ્ત હોય છે. જિજ્ઞાસુઓને જ તેઓ વિશેષ સમય આપતા હોય છે. તલમાં તેલ ન હોય એવા ટાઇમપાસિયાને તેઓ સત્વરે વિદાય કરતા હોય છે. સ્વસિદ્ધાંત અને પરી સિદ્ધાંતોમાં તેઓએ માસ્ટરી મેળવી હોય છે. જે પ્રદેશમાં તેઓનું વિચરણ હોય તે ભાષામાં પણ તેમની પકડ હોવાથી સત્સંગ દ્વારા ભલભલાના હૃદય પરિવર્તન અને જીવન પરિવર્તન કરવાની તેમની હથોરી હોય છે. સંતો આચારસંપન્ન હશે તો સમાજમાં પેસેલો બગાડો તેવો તેમની આચારશક્તિથી દૂર કરી શક છે. સંતશક્તિ શ્રેષ્ઠ શક્તિ છે.
જીવનને ધન્ય બનાવવું હોય તો આત્માર્થી સંતો પાસે બેસીને જીવન જીવવાની કળા શીખવી જોઈએ. માનવ ભવ તન – મનના જલસા કરવા માટે નથી મળ્યો. અનાદિ કાળના કુસંસ્કારોના ચક્કરમાંથી બહાર આવવા માટે આત્માસાધના માટે આ માનવ ભવ મળ્યો છે. મુક્તિના મંગળદ્વાર ખોલવા માટે જેટલી સાધના થાય તેટલી કરી લેવી જોઈએ.