સંકટોના સ્વીકારમાં સુખ છે અને ઈન્કારમાં દુઃખ છે:પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ
પ્રીતમનગર સ્થિત શ્રી કુંથુનાથ જૈન સંઘમાં આરાધના ભવનમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે “ઓ સમતાના ધરનારા, તારા જીવન રહસ્યો ન્યારા.” એ વિષય ઉપર પ્રવચન પ્રસાદી પાઠવી હતી. પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે; સાધના વિના સિદ્ધિ હાંસલ થતી નથી. જીવનમાં ગમે તેટલા સંકટો આવે ત્યારે સામનો નહીં કરતા સ્વીકાર કરવા જોઈએ. સંકટોના સ્વીકારમાં સુખ છે અને ઈન્કારમાં દુઃખ છે. તમે જે વાવશો તે જ લણવું પડશે. બાવળનાં બીજ વાવીને આંબાની અપેક્ષા રાખવી તે બાલિશત્તા છે. આચાર, વિચાર અને ઉચ્ચાર પ્રમાણે કર્મબંધ થતો હોય છે. શુભનું આચરણ હશે તો સદગતિની પ્રાપ્તિ થશે અને અશુભનું આચરણ હશે તો દુર્ગતિની પ્રાપ્તિ થશે.
આફતને અવસર બનાવે તે મહાવીર છે. જીવનમાં કર્મોના વાવાઝોડા વખતે પ્રભુ વીર હિમાલય બનીને ઉભા રહ્યા હતા. બીજાને ડરાવે તેને ડરવું પડે છે. બીજાને રડાવે છે તેને જ રડવું પડે છે. કર્મો કોઈને છોડતા નથી. કર્મોને કોઈની શરમ નડતી નથી. ભલે કદાચ બધે જ ભ્રષ્ટાચાર અને ભેળસેળ ચાલતી હશે પણ કર્મસત્તાના દરબારમાં કોઈ છટકી શકતો નથી. ભલભલા ચમરબંધીઓના કર્મોએ ભૂક્કા બોલાવી દીધા છે. કર્મના ઉદયે દુઃખો આવે તો સમતા રાખજો અને સમાધિ સહન કરજો.
કોઈ તમારું કાંઈ બગાડી શકતું નથી. દુઃખો તો પ્રભુએ (કર્મસત્તાએ) મોકલાવેલી પ્રસાદી છે. પ્રેમથી સ્વીકારી લો. તાકાત લાઠીની નથી પણ પલાઠીની છે. તાકાત આગની નથી પણ પાણીની છે. “ફાયરિંગ” કરવા માટે માનવભવ મળ્યો નથી પણ “ફાયરબ્રિગેડ” બનવા માટે મળ્યો છે. સળગાવાનું નહીં, પણ બુઝાવાનું કામ કરવાનું છે. પ્રભુ શાંત, પ્રશાંત અને ઉપશાંત હતા. ઉપડવી બનવાનું નથી પણ ઉપકારી બનવાનું છે.