આચારોનો સૂર્ય અસ્તાચલ તરફ ઝૂકી રહ્યો છે. આવા સમયે આદર્શોને જીવંત રાખવા પડશે:પૂજ્ય પંન્યાસમાં પદ્મદર્શનવિજયજી મહારાજ
કુસંગ, કુસંસ્કર, કુનિમિત્ત અને કુકાળની ચંડાળ ચોકડી પુણ્યત્માને પણ પાપાત્મા બનાવી દેવાનું સામર્થ્ય ધરાવે છે
પ્રીતમનગર સ્થિત શ્રી કુંથુનાથ જૈન સંઘમાં પર્યુષણ પર્વના અનુસંધાનમાં પૂજ્ય પંન્યાસમાં પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે; એકાંત, અંધકાર અને અનુકૂળતાના પડછાયામાં ગમે ત્યારે જીવન વેરાન ઉકરડો બની શકે છે. યોગી પણ ભૌતિકવાદમાં ભૂરાંટો બને તો ભોગી બની શકે છે. કુસંગ, કુસંસ્કર, કુનિમિત્ત અને કુકાળની ચંડાળ ચોકડી પુણ્યત્માને પણ પાપાત્મા બનાવી દેવાનું સામર્થ્ય ધરાવે છે. સાંપ્રત સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે જેમાં તમે સહેજ પણ આઘા-પાછા થયા તો બરબાદીની ગર્તામાં ખાબકી જશો. ટી.વી., ઈન્ટરનેટ, ફેસબુક,ઈન્સ્ટ્રાગ્રામ અને વોટ્સએપ વગેરેના ઉપયોગ કરતાં દૂરુપયોગ વધ્યો છે. પવિત્ર સંબંધોમાં કડાકો બોલાયો છે. આવા સમયે સદગુરુ નો સત્સંગ જ તમને બચાવી શકે તેમ છે. બાકી બચવાની કોઈ શક્યતા નથી.
આચરણ કરતાં પણ આદર્શ અપેક્ષાએ મહાન છે. આચારોનો સૂર્ય અસ્તાચલ તરફ ઝૂકી રહ્યો છે. આવા સમયે આદર્શોને જીવંત રાખવા પડશે. પૂર્વાચારીઓના જીવન ચરિત્ર આપણને એક વિશિષ્ટ કોટીની ઉષ્મા અને આશ્વાસન આપે છે. પુર્વાચર્યોના ભવ્ય ચરિત્રો આપણા માટે સંસારના કાદવ કીચડ વચ્ચે રહેલી કોરી લાદી જેવા છે. એમના આલંબને આપણે કોઈપણ જાતની પ્રતિકૂળતા વિના હેમખેમ આ સંસારનો પાર પામી શકીએ તેમ છીએ. આદર્શોરૂપી લાદીઓની ઉપેક્ષા કરીને સંસારના ભોગરૂપી કાદવ ઉપર ચાલવા જતાં આપણે લપસી ગયા છીએ. હવે એ કાદવ વચ્ચે રહેલી મજબૂત લાદીનું આલંબન લઈને આગળ વધીશું તો બેડો પાર છે. તમારી નજર આદર્શ તરફ રાખો. આદર્શો નજરની સામે હશે તો આચરણ આવ્યા વિના નહીં રહે. આદર્શો આપણી આંખો ભીની કરે છે. પૂર્વના મહાત્માઓનું સત્ત્વ જોઈને આપણી શિથીલતાઓ ઓછી થાય છે.