ટાંટિયા ખેંચની પ્રવૃત્તિએ રાષ્ટ્ર, સંસ્કૃતિ, સમાજ અને ધર્મનું મોરલ તોડવાનું કામ કર્યું છે
પાલડી સ્થિત પ્રીતમનગરમાં શ્રી કુંથુનાથ જૈન સંઘમાં નૂતન આરાધના ભવન ખાતે પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે અમૃતવાણી નું આચમન કરાવતા જણાવ્યું હતું કે; કોઈનો એકડો કાઢી નાંખવા માટે ખોટા આક્ષેપો કરવાની એક ફેશન જોરમાં ચાલી રહી છે. ટાંટિયા ખેંચની પ્રવૃત્તિએ રાષ્ટ્ર, સંસ્કૃતિ, સમાજ અને ધર્મનું મોરલ તોડવાનું કામ કર્યું છે. તમારી લીટીને મોટી બતાડવા માટે કોકની લીટી કાપવાની બાલિશતા ક્યારે પણ કરતા નહીં.. ” હું મોટો તું છોટો, એ ખ્યાલ જગતનો ખોટો.” આ પંક્તિને સતત વિચારતા રહેવું જોઈએ. દરેક વ્યક્તિ પોત-પોતાના સ્થાને બરાબર જ છે નાના-મોટા નું વિભાજન આપણે જ કર્યું છે. અસમાનતા જ ઈર્ષ્યાની આગને ભડકાવે છે.
ઈર્ષ્યાના પાપને સંબંધોમાં કટુતા ઊભી કરી છે. આજે બધાને આગળ આવવું છે. એમાં કોઈ વાંધો નથી. બીજાને હડસેલીને અથવા એના માટે ગમે તેવા ગપગોળા ચલાવીને આગળ આવવાની વૃતિ અત્યંત ખતરનાક છે. અત્યારે દુર્જનો સક્રિય બન્યા છે અને સજ્જનોને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. ધંધાના જોખમમાં માર ખાશો તોય કોઈક કદાચ પડખે ઉભા રહેશે, પણ કોઈકને બદનામ કરતા રહેવાના ઉઠાવેલ જોખમનું પાપ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમારા આંસૂ લૂછવા પણ કોઈ બાજુમાં ઊભું નહીં રહે. કોઈને બદનામ કરીને આગળ આવવાની વૃત્તિવાળા સમજી રાખે કે તમારી પણ ગમે ત્યારે બદનામી થવાની જ છે એ માટે તૈયાર રહેજો.
હંમેશા સારું જોતા શીખો. કાકદ્રષ્ટિ નહીં પણ બુલબુલ દ્રષ્ટિ કેળવો. દોષો તો બધામાં ઠાંસી ઠાંસીને ભરેલા જ છે. જ્યાં પણ ગુણનો ગુલાબ જોવા મળે ત્યાં ઝૂકી જજો. કાદવમાં કમળ ખીલે છે પણ લોકો કાદવને નિંદા કરતા નથી પણ કમળની જ પ્રશંસા કરે છે. કાદવકીચડ ઉછાળવાની પ્રવૃત્તિ બંધ કરી ગુલાબ ઉડાડો…