વાયનાડમાં રાહુલ ગાંધીનો નવો અંદાજ- ‘તમે મારી રાજનીતિ બદલી નાખી’
કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે,આજે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ તેમની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી બહેન માટે ચૂંટણી પ્રચાર કરવા માટે આજે વાયનાડ પહોંચ્યા હતા, જ્યાં તેમનો નવો જ અંદાજ જોવા મળ્યો કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ આજે સુલ્તાન બાથરીમાં રોડ-શો કર્યો હતો, જેમાં ઉપસ્થિત રહેલા રાહુલ ગાંધી ‘આi લવ વાયનાડ’ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી બહેન પ્રિયંકા માટે વાયનાડમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાસ્તવમાં લોકસભા ચૂંટણી-2024માં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડમાંથી જીતી ગયા હતા, જો કે તેમણે બંનેમાંથી એક બેઠક વાયનાડ છોડવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે કોંગ્રેસે વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યા છે.
વાયનાડમાં રોડ-શો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘વાયનાડના લોકોએ મને એટલો પ્રેમ અને સ્નેહ આપ્યો કે મારી રાજનીતિ બદલાઈ ગઈ. મને સમજાયું કે નફરત સામે લડવાનું એકમાત્ર હથિયાર સ્નેહ છે. મેં રોડ-શોની શરુઆતમાં જોયું કે, લોકો મને ગળે લગાવી રહ્યા હતા, ત્યારે હું કહી રહ્યો હતો કે, હું તમને પ્રેમ કરું છું અને તેઓ મને કહેતા હતા કે, અમે તમને પ્રેમ કરીએ છીએ.રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજે હું પ્લેનમાં હતો ત્યારે મને સમજાયું કે મેં ઘણા વર્ષોથી રાજકારણમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કર્યો નથી. વાયનાડમાં આવ્યા પછી મેં અચાનક જ રાજકારણમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું. વાયનાડની પ્રજાએ મને શીખવ્યું કે, રાજકારણમાં ‘પ્રેમ’ શબ્દનું ખૂબ જ મહત્ત્વ છે, તેથી જ આજે મેં આ ટી-શર્ટ પહેરી છે. ’