NEET પેપર લીક મામલે CBIની મોટી કાર્યવાહી, પટના AIIMSના 3 ડોક્ટરોની કરી ધરપકડ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે (18મી જુલાઈ) થનારી સુનાવણી પહેલા સીબીઆઈએ મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે.
મંગળવારે (16મી જુલાઈ) CBIએ NEET પેપર લીક કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પટનામાંથી પંકજ કુમાર અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. પંકજ પર હજારીબાગમાં એક ટ્રકમાંથી કાગળ ચોરી કરીને આગળ વહેંચવાનો આરોપ છે. રાજુ સિંહે લોકોને આગળ પેપર વિતરણ કરવામાં મદદ કરી હતી.
NEET પેપર લીકનો માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા હજુ પણ ફરાર છે, મુખિયા પેપર લીક કરવામાં સૌથી મોટો માફિયા છે, બિહાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક માફિયાઓ સાથે સંજીવ મુખિયાની સાંઠગાંઠ છે, મુખિયાએ ઘણાં પેપર લીક કરાવ્યા છે. સીબીઆઈ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.